સૌરાષ્ટ્રમાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે એટલા માટે સૌરાષ્ટ્રને સંતોની ભૂમિ પણ કહેવામા આવે છે. જેતપુર થી રાજકોટ જતાં વચ્ચે રસ્તામાં વિરપુર ગામ આવેલું છે જે ખાસ કરીને લોહાણા સમાજ અને દરેક જ્ઞાતિ માટે આસ્થાનું સ્થાન છે. સંત શ્રી જલારામ બાપાનું આ મંદિર સમગ્ર વિશ્વમાં જાણીતું છે અને પૂજનીય છે. અહી રોજ હજારો લોકો દર્શનાર્થે આવે છે અને જલારામ બાપાના દર્શન કરી પોતાને ધન્ય અનુભવે છે.
સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું.૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા.
૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે.એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્ય વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.
આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં. ત્યાર બાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે.એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દરદની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું. આમ થતા તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને “બાપા” કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું.
આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઇલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યાં. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોનાં દુઃખ દૂર થઈ જતાં. હિંદુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. ૧૮૨૨માં જમાલ નામના એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બિમાર પડ્યો, દાક્તરો-હકીમોએ તેના સાજા થવાની આશા મૂકી દીધી હતી. તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ૪૦ મણ અનાજ દાન કરશે. તેમનો પુત્ર સાજો થતા જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું “જલા સો અલ્લાહ”.
એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યાં અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ મા તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યાં. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈ મા પાસે એક દંડો અને ઝોળી મૂકતાં ગયાં હતાં. વીરબાઈ મા ઘરે આવ્યાં અને જલારામબાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી. આ દંડો અને ઝોળી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે.
જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટ ના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે. આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમ્યાન રહેતાં હતાં. તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ સીતા લક્ષમણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અહી સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી ઝોળી અને દંડો પણ જોઈ શકાય છે. પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ, જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એક માત્ર ફોટો છે.
અહીની ખાસ વાત તો એ છે કે કોઈપણ પ્રકારના દાન ધર્માદા વગર અહી અન્નક્ષેત્રની સેવા અવિરત ચાલુ જ રહે છે. કોઈપણ દર્શનાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું દાન ના લેવામાં આવતું હોય એવું કદાચ આ વિશ્વનું એકમાત્ર મંદિર હશે. વળી અહી કોઈપણ જાતના દાન સ્વીકાર્યા વગર પણ અન્નક્ષેત્રની સેવામાં કોઈ ઉણપ આવતી નથી. આ રીતે જોવામાં આવે તો ભારતમાં દર વર્ષે કરોડોનું દાન મેળવનારા ધર્મસ્થાનોની સરખામણીએ વિરપુરનું જલારામ મંદિર એક અલગ જ સ્થાન ધરાવે છે.૯ ફેબ્રુઆરી, ૨૦૦૦ ના દિવસે જલારામ બાપનાં આ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું. એ પહેલા મંદિરમાં રોકડ, અનાજ અને એ સિવાય ઘણું દાન આવતું હતું પરંતુ જલારામ બાપાની પાંચમી પેઢીના કાર્યવાહકોએ માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વને એક નવી દિશા ચિંધનારો નિર્ણય લીધો અને કોઈપણ પ્રકારનું દાન કે ભેટ નહીં સ્વીકારવાની જાહેરાત કરી. અને કોઇ ભાવિકની શ્રધ્ધાને ઠેસ ના પહોચે એ રીતે સક્ષમ થઈ ગયા હોવાનો ભાવ નહીં પરંતુ સવિનય ઇન્કારનો વિનમ્ર ભાવ પ્રકટ થયો.
સમગ્ર દેશમાં આજે બધા જ મંદિરોમાં મોટા પાયે દાન આવે છે, ઘણા મંદિરોમાં આ દાનની રકમ તો કરોડો માં આંબી જાય છે. મંદિરોમાં આવતા આવા કરોડો માં દાનને લીધે મંદિરના વહીવટોમાં ગેરવહીવટો તથા વિવાદો એ સ્થાન લઈ લીધું છે. ત્યારે અહી બધા જ મંદિરોથી અલગ જ અહી કોઈ દાનપેટી રાખવામા આવેલી નથી. અહી જો મંદિરમાં દર્શન માટે જતાં કોઈ ભાવિક આ વાતથી અજાણ હોય અને પોતાની શ્રધ્ધાથી જલારામ બાપાની ચરણપાદુકા પાસે કે મંદિરમાં અન્ય જગ્યાએ કોઈ દાનની રકમ મૂકે તો મંદિરના સ્વયંસેવકો અત્યંત વિનમ્ર ભાવથી તે સ્વીકારવાનો ઇનકાર કરી દાનની રકમ પરત કરે છે. આ માટે મંદિરમાં સેવકોની સતત હાજરી હોય છે. કોઈપણ મંદિરમાં દાન સ્વીકારમાં નહીં આવે તેવું કહેવા માટે સેવકો ફરજ બજાવતા હોય તેવું દ્રશ્ય કદાચ કોઈપણ ધર્મસ્થાનમા અનોખું અને આશ્ચર્યજનક ગણાય પણ આ વાત વિરપુરના જલારામ બાપનાં મંદિરમાં સહજ છે.
દાન નહીં સ્વીકારવાના મુખ્ય કારણમાં એવું કહેવાય છે કે મંદિર પાસે પૂરતું દાન આવી ગયું છે અને તે દાનથી આવનારા ૧૦૦ વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે એવું કહેવામા આવે છે. જલારામ બાપનાં આ મંદિરમાં દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતો રહે છે. અત્યારના આ આધુનિક યુગમાં કોઈ ધાર્મિક સ્થળ અને આસ્થાનાં કેન્દ્ર એવા જલારામ મંદિર દ્વારા કોઈપણ પ્રચાર માધ્યમોમાં છવાયેલા રહેવા, પ્રસિધ્ધિ મેળવવા, કોઈપણ જાતની ચર્ચા માં રહેવા કે કોઈપણ જાતની નામનાં મેળવવા માટેના કોઈ પ્રયાસો કરવામાં આવતા નથી એ પણ ખૂબ જ સારી બાબત કહી શકાય છે.
દર વર્ષે જ્યાં દેશના અન્ય મંદિરોમાં કરોડોના દાનના આંકડા જાહેર કરવામાં આવે છે કે આંકડાઓ કોઈ રાજ્યના બજેટ જેટલા હોય છે તેમ છતાં પણ ત્યાં દાન સ્વીકારવામાં આવે છે. ત્યારે જલારામ બાપનાં મંદિરમાં શ્રધ્ધાળુઓ દર્શન કરે પછી મંદિરનાa સેવકો દ્વારા આગ્રહપૂર્વક પ્રસાદની વિનંતી કરવામાં આવતી હોય તેવી જગ્યા સમગ્ર વિશ્વમાં ક્યાય પણ જોવા ન મળે.સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં આજથી જ જનતાએ બજારોમાં ન નીકળી અને વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખીને કોરોના વાયરસ વધુ ન વિસ્તરે તે માટે લોક જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.કોરોના વાયરસનો હાહાકારને લઈને દેશભરમાં પ્રધાનમંત્રીએ રવિવારના રોજ લોકોએ જનતા કરફ્યુ પાળવાની લોકોને અપીલ કરી છે. ત્યારે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરના લોકોએ આજથી જ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની અપીલને સ્વીકારીને જનતા કર્ફયુંનો અમલ કર્યો છે. યાત્રાધામ વિરપુરમાં બીરાજતા સંત શીરોમણી પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે બારેમાસ ભાવીકોની ભીડ જોવા મળતી હોય છે.
ગુજરાતમાં નોંધાયેલા કોરોના કેસને લઈને સરકારે કોરોના સામે કરેલ લોકજાગૃતિની અપીલને લોકોએ સ્વીકાર છે. જેમને કારણે યાત્રાધામ વિરપુરમાં ભાવીકોની સંખ્યા નહિવત જોવા મળી છે. તો બીજી તરફ વિરપુર વેપારી મંડળ અને ગ્રામજનો દ્વારા પ્રધાનમંત્રીની જનતા કર્ફયુંના એક દિવસ પહેલા જ અમલ કરીને પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સજ્જડ બંધ પાળ્યો હતો.
વિરપુરવાસીઓ તેમજ વેપારીઓએ શનિવાર અને રવિવાર બે દિવસ કર્ફયુંનો દેશભરમાં પ્રથમ અમલ કરતું ગામ બની ગયું છે. ત્યારે વેપારીઓ દ્વારા લોકોમાં કોરોના સામે જાગૃતા આવે તે માટે જાહેરમાં થૂંકવુ નહીં જેવા સૂચન બોર્ડ પણ લગાવ્યા હતાં તેમજ જનતા કરફ્યુ લોકોએ સ્વેચ્છાએ અમલ કરીને દરેક પોતાના ઘરમાં જ પુરાયેલા જોવા મળ્યા હતા જેમને કારણે વિરપુરમાં કર્ફયું જેવો માહોલ જોવા મળતાંની સાથે પૂજ્ય જલારામ બાપાને કોરોના વાયરસ વહેલામાં વહેલા દેશ નિકાલ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી