કુંભમેળાનું નામ લેતા જ નજર સામે નાગા સાધુઓનું સરઘસ અને ડૂબકી લેતા શ્રદ્ધાળુઓનું ચિત્ર નજર સામે ખડુ થાય છે. આ વખતે પ્રયાગરાજમાં કુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્રિવેણીસંગમમાં ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધવાની પરંપરા હિન્દુ સંપ્રદાયમાં દાયકાઓ જૂની છે. કુંભ મેળાના આયોજનનું એલાન થતા જ શ્રદ્ધાળુઓના મનમાં આનંદના મોજા આકાશ જેટલા ઉછળતા હોય છે. સ્નાનનો મહિમાં અત્યારથી નહીં પણ વર્ષોથી ગવાતો અને મનાતો આવ્યો છે. દર ત્રણ વર્ષએ કુંભમેળાનું આયોજન થાય છે. ગંગા, યમુના અને સરસ્વતિ નદીના સંગમસ્થળ પર આ વખતે મકરસંક્રાતીના દિવસે કુંભમેળો શરૂ થશે. આ કુંભમેળા વિશે જાણીએ વધું ઊંડાણથીકુંભમેળાની શરૂઆત ક્યારે થઈ એ વિશે કોઈ ચોક્કસ સમયગાળો કે તારીખ અથવા કોઈ તીથિ નિશ્ચિત નથી. પણ પુરાણોમાં તેનો સંદર્ભ મળી રહે છે. જે અનુસાર ગ્રહોની વિશેષ સ્થિતિ પર જ કુંભમેળાનો સંકેત જોવા મળે છે. સ્ક્ન્ધ પુરાણ અનુસાર.
चन्द्रः प्रश्रवणाद्रक्षां, सूर्यो विस्फोटनाद्दधौ।दैत्येभ्यश्च गुरू रक्षां, सौरिंर्देवेन्द्रजाद् भयात्।
।सूर्येन्दुगुरूसंयोगस्य, यद्राशौ यत्र वत्सरे।सुधाकुम्भप्लवे भूमौ, कुम्भो भवति नान्यथा।।
અર્થાતત જે સમયે અમૃતપૂર્ણ કુંભને લઈને દેવી દેવતાઓ તથા દૈત્યમાં સંધર્ષ થયો હતો એ સમયે ચંદ્રએ તે અમૃતકુંભની રક્ષા કરી હતી જ્યારે સૂર્યએ કુંભ તૂટે નહીં તેનું પૂરતું ધ્યાન રાખ્યું. દેવતાઓ અને રાક્ષસો વચ્ચે લડાઈ દરમિયાન જે ચાર જગ્યાઓ હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં જે દિવસ સુધાકુંભ છલકાયો તે સ્થળે તે ચોક્કસ તીથિમાં કુંભપર્વનું આયોજન થાય છે.
સુધાકુંભને લઈને દેવતાઓ અને રાક્ષસો વચ્ચે 12 દિવસ સુધ 12 જુદા જુદા સ્થળે યુદ્ધ થયું હતું. આ 12 દિવસ દરમિયાન સુધાકુંભમાંથી અમૃતના ટીપા પડ્યા. જેમાંથી પૂર્વોક્ત ચાર સ્થળ મૃત્યુલોકમાં છે અને આઠ સ્વર્ગ અને અન્ય લોકમાં છે. 12 વર્ષ બરોબર દેવતાઓના 12 દિવસ થાય છે. તેથી 12માં વર્ષે કુંભપર્વની ઉજવણી થાય છે.
ઐતિહાસિક પુરાવાઓ અનુસાર કુંભનું આયોજન રાજા હર્ષવર્ધનના શાસનકાળ 664 ઈ.સ.પૂર્વેમાં શરૂ થયું હતું. ચીની યાત્રી હ્વેંગસાંગે પોતાની ભારતયાત્રાના ઉલ્લેખમાં કુંભમેળા વિશે લખ્યું છે. આ સાથે તેણે રાજા હર્ષવર્ધનની દાનવીરતાનો પણ ઉલ્લેખ કર્યો છે. રાજા દર પાંચ વર્ષે નદીઓના સંગમ સ્થળ પર એક મહાઆયોજન કરતા હતા. જેમાં તેઓ બે હાથે ગરીબો અને ધાર્મિકસંતોને દાન કરતા હતા.
આપણે કુંભમેળા માં નાગસાધુઓ ને જોઈએ છીએ. તે ખાલી કુંભમેળા માં જ જોવા મળે છે. તો શું તમે જાણો છો કે નાગસાધુ કુંભમેળા પછી ક્યાં જાય છે ? મહાકુંભ, અર્ધકુંભ અને સિંહસ્થ કુંભ દરમિયાન મોટી સંખ્યામાં નાગા સાધુઓ તમને જોવા મળશે. પણ કદી તમે વિચાર્યું છે કે કુંભ પૂર્ણ થયા પછી આ તમામ ક્યાં જાય છે?
કુંભમાં શ્રદ્ધાળુઓ પર અમૃત વર્ષા થાય છે. આ સાહી સ્નાન પછી મોટા ભાગના નાગા સાધુ હિમાલયની ગુફા કે જંગલોમાં તપ કરવા માટે નીકળી પડે છે. વળી હાલ કેટલાક સાધુઓ શહેરો અને ગામમાં પણ જોવા મળે છે. નાગા સાધુઓનું કહેવું છે કે તે વર્ષભર દિગમ્બર એટલે કે નિર્વસ્ત્ર અવસ્થામાં રહેવું સંભવ નથી. નિરંજની અખાડેના અધ્યક્ષ મહંત રવીંદ્રપુરી જે પોતે એક નાગા સાધુ છે તે કહે છે કે સમાજમાં દિગમ્બર સ્વરૂપ સ્વીકાર્ય નથી. આમ તે પછી સામાન્ય સાધુના રૂપમાં રહે છે. અને કપડા પણ પહેરે છે.
પહેલા નાગા સાધુ આશ્રમમાં રહેતા હતા પણ સંખ્ચા વધતા તેમને પણ સમાજમાં રહેવાનો વખત આવ્યો છે. નાગા સાધુઓ તેમના અખાડામાં યોગ અને વ્યાયામ કરે છે. સાથે જ તપ કરવાની સાથે તે અખાડામાં કુસ્તી પણ કરીને પણ શરીરને ચુસ્ત રાખતા હોય છે. નાગા સાધુઓ જણાવે છે કે દિંગ્મબર શબ્દનો અર્થ થાય છે દિગ્ અને અમ્બરના યોગથી બનેલ. દિગ્ એટલે ધરતી અને અમ્બર એટલે આકાશ. એટલે કે ધરતી અને આકાશ તેમના કપડાં છે.
કુંભ ક્ષેત્રમાં દેવી દેવતાઓનો વાસ હોય છે, તે સમયે આકાશથી અમૃત વર્ષો થાય છે માટે નાગા સાધુ તેમના અસલી સ્વરૂપમાં હોય છે.
જ્યારે ગુરુ કુંભરાશીમાં તથા સૂર્ય મેષ રાશીમાં પ્રવેશ કરે છે ત્યારે હરિદ્વારમાં ગંગા નદીના કિનારે કુંભનું આયોજન થાય છે, ગુરુ જ્યારે મેષ રાશીમાં પ્રવેશ કરે તથા સૂર્ય અને ચંદ્ર મકર રાશીમાં પ્રવેશ કરે ત્યારે અમાસના દિવસે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઘાટ પર કુંભમેળાનું આયોજન થાય છે. ગુરુ તથા સૂર્ય સિંહ રાશીમાં પ્રવેશ કરે ત્યારે નાસિકમાં ગોદાવરી નદીને કિનારે કુંભનું આયોજન થાય છે. ગુરુ જ્યારે સિંહ રાશીમાં પ્રવેશ કરે ત્યારે તથા સૂર્ય મેષ રાશીમાં પ્રવેશે ત્યારે ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે કુંભનું આયોજન થાય છે.